Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap   Books Online 
Book Name:  ત્રિષષ્ટીય દેશના       Author Name:  કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.

શતબલ રાજાની વિચારણા

 

            `અહો! આ શરીર સ્વાભાવિક અશુચિમય છે, તો તેને ઉપસ્કરોથી નવું નવું કરી કેટલા કાળ સુધી ગોપવવું? અનેક પ્રકારે સત્કાર કર્યા છતાં પણ જો એક વખત સત્કાર ન થાય તો ખળ પુરુષની પેઠે આ દેહ તત્કાળ વિકાર પામે છે. અહો! બહાર પડેલા વિષ્ટા, મૂત્ર તથા કફ વગેરે પદાર્થોથી પ્રાણીઓ દૂણાય છે, પણ શરીરની અંદર તેજ સર્વ પદાર્થો રહેલા છે તેનાથી કેમ દુણાતા નથી? જીર્ણ થયેલા વૃક્ષના કોટરમાં જેમ સર્પ, વીંછી વગેરે ક્રૂર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, તેમ આ શરીરમાં પીડા આપનારા અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરદ્ ઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી નાશવંત છે. યૌવનલક્ષ્મી વિદ્યુત્ની પેઠે જોતજોતામાં નાશી જનારી છે. આયુષ્ય પતાકાની પેઠે ચપળ છે, સંપત્તિઓ તરંગની જેવી તરલ છે. ભોગ ભુજંગની ફણાં જેવા વિષમ છે અને સંગમ સ્વપ્નની જેવો મિથ્યા છે. શરીરની અંદર રહેલો આથ્મા કામ-ક્રોધાદિકના તાપોથી તપાયમાન થઈ પુટપાકની પેઠે રાત્રિ દિવસ રંધાયા કરે છે. અહો! આ અતિ દુઃખ પ્રાપ્ત કરાવનારા વિષયોમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાંહેના અશચિ કીડાની પેઠે કાંઈપણ વિરાગ પામતા નથી! દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, અંધ જેમ કૂવાને દેખે નહીં તેમ પોતાના પગની આગળ રહેલા મૃત્યને દેખતો નથી. વિષની માફક આપાતમાત્રમાં જ મધુર એવા વિષયોથી આત્મા મૂર્ચ્છા પામી જાય છે અને તેથી પોતાના હિતને માટે કાંઈપણ વિચાર કરી શકતો નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા અર્થ-કામને વિષે પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતો નથી. પ્રાણીઓને આ અપાર સંસારરૂપી સમુદ્રમાં અમૂલ્ય રત્નની પેઠે મનુષ્યપણું ઘણું દુર્લભ છે; કદાપિ માનુષ્ય પ્રાપ્ત થયું તથાપિ તેમાં ભગવાન્ અર્હદ્દેવ અને સુસાધુ ગુરુ પુણ્યયોગથીજ પ્રાપ્ત થાય છે. જો આપણે મનુષ્ય ભવનું ફળ ગ્રહણ ન કરીએ તો વસ્તીવાળા શહેરમાં ચોરોથી લૂંટાયા જેવું થાય, માટે કવચધારી મહાબળકુમારને રાજ્યભાર આરોપણ કરીને હું સ્વેચ્છિત કરું. એમ વિચારી શતબળ રાજાએ તરત જ પુત્રને બોલાવ્યો. અને તે વિનીતકુમારને રાજ્ય ગ્રહણ કરવાનો બોધ કર્યો. પિતાની આજ્ઞાથી તેણે રાજ્યભાર વહન કરવાને કબૂલ કર્યું. મહાત્માઓ ગુરુજનોની આજ્ઞાનો ભંગ કરવામાં ભીરૂ હોય છે. પછી શતબળ રાજાએ મહાબળકુમારને સિંહાસન ઉપર બેસાડી-અભિષેક કરી પોતાના હાથે તિલક મંગળ કર્યું. મચકુંદના પુષ્પ જેવી કાંતિવાળા ચંદનના તિલકથી તે નાનો રાજા ચંદ્રવડે જેમ ઉદયાચળ શોભે તેમ શોભવા લાગ્યો. હંસની પાંખ જેવા પોતાના પિતા સંબંધી છત્રવડે, શરદ્ ઋતુના મેઘથી જેમ ગિરિરાજ શોભે તેમ ચલાયમાન બે સુંદર ચામરોથી તે વિરાજવા લાગ્યા. ચંદ્રના ઉદય સમયે જેમ સમુદ્ર ધ્વનિ કરે તેમ તેના અભિષેક સમયે દિશાઓને ગજાવી મૂકતો મંગળ વાજીંત્રેનો ધ્વનિ ગંભીર શબ્દ કરવા લાગ્યો. રૂપાંતરે જાણે બીજો શતબળ રાજા હોય તેમ સામંતો અને મંત્રીઓ તેની પાસે આવી તેને માન્ય કરવા લાગ્યા.