|
Book Name: ભગવાને ભાખ્યા ભાવિના લેખ અનાદિઅનંતસંસાર
અનંત ઉપકારી શ્રમણ ભગવાનશ્રી મહાવીર મહારાજા જે દિવસે નિર્વાણ પામ્યા, તે દિવસથી દિવાળી થઈ એ વાત આપણે ત્યાં પ્રસિદ્ધ છે.
આપણે એક વાત સમજવા જેવી છે. સંસાર અનાદિથી ચાલે છે, સદા માટે ચાલવાનો છે, અત્યાર સુધીમાં કેટલો કાળ પસાર થઈ ગયો ? અનંત પુદ્ગલ પરાવર્ત કાળ પસાર થઈ ગયો. એક પુદ્ગલ પરાવર્તમાં અનંત કાળચક્ર આવે. એક કાળચક્રમાં વીસ કોટાકોટિ સાગરોપમ થાય. એક કાળચક્રમાં દશ કોટાકોટિ સાગરોપમ પ્રમાણે એક ઉત્સર્પિણી અને દશ કોટાકોટિ સાગરોપમ પ્રમાણે એક અવસર્પિણી હોય છે. પાંચેય ભરતક્ષેત્રમાં જેમ ચોવીસ ચોવીસ તીર્થંકરો થાય, તેમ પાંચેય ઐરાવતમાં ચોવીસ ચોવીસ તીર્થંકરો થાય. પાંચ મહાવિદેહ એવાં છે કે, જયાં કદી ધર્મનો અભાવ થતો નથી. આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી.
જે લોકો જગતને અનાદિ માનતા નથી, તેમની મુંઝવણનો કોઈ પાર નથી. અનંત જ્ઞાનીઓએ બતાવેલી આ વાત બુદ્ધિમાં બેસે એવી છે, શ્રદ્ધા થાય એવી છે. નાસ્તિક દર્શનકારોએ પણ પાંચભૂત અનાદિથી છે, એ વાત સ્વીકારી છે. આપણે જો આ બધી વાતનો સ્થિરતાપૂર્વક વિચાર કરીએ તો એ બુદ્ધિમાં બેસી જાય. જગતમાં તીર્થનો અને તીર્થંકરનો અભાવ કોઈ કાળે હોતો નથી. આજેય વીસ તીર્થંકર ભગવાન છે. તીર્થંકર થાય કોણ ? મોક્ષમાં જનારા ભવ્યો. એમાં તીર્થંકર થઈને જનારાઓની નોખી જાત. જેનામાં જે યોગ્યતા હોય તે તે જ રીતે પ્રગટ થાય. એ તીર્થંકરોય ભવિતવ્યતા પ્રમાણે જ નિગોદમાંથી બહાર નીકળે.
જે વસ્તુમાં જે જાતની યોગ્યતા ન હોય તે વસ્તુ તે રૂપે ન થાય. જ્ઞાનગુણ આત્માનો છે જડનો નથી. તીર્થંકરો બધા એકસરખા પણ ભવિતવ્યતા સૌની જુદી. શ્રી ઋષભદેવ પહેલાં શું કામ જન્મે ? શ્રી મહાવીર દેવ છેલ્લે કેમ જન્મે ? બધાની ભવિતવ્યતા જુદી. તીર્થંકરોની પણ ભવિતવ્યતા એકસરખી નહીં.
એક આત્મા મુક્તિમાં જાય તો એક આત્મા નિગોદમાંથી નીકળે. અનંતાનંત ભવ્ય આત્માઓ એવા છે કે, જે અવ્યવહાર રાશિમાં હતા, છે અને રહેશે. એ બધા જાતિભવ્યો કહેવાય. દરેકનું ભવ્યત્વ જૂદું. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટે ઘણો કાળ જોઈએ.
જ્ઞાનીઓએ જગત જેવું હતું, તેવું બતાવ્યું છે. કોઈને ભવ્ય કે અભવ્ય બનાવી શકાતા નથી. કોઈ કોઈને સુખી કરતું નથી. કોઈ કોઈને દુઃખી કરતું નથી. એ વાત બેસે તો આ વાત સમજાય. કયો ધર્મ પ્રાચીન છે ? એમ પૂછાય છે. ધર્મ અને અધર્મ બેય માત્ર પ્રાચીન જ નહિ પણ અનાદિ છે. સત્ય અને અસત્ય બેય અનાદિનાં છે. સારું અને ખોટું બેય અનાદિનાં છે. જયારે ધર્મ ન હોય ત્યારે જે જીવો પાપ કરે, તેને પાપ ન લાગે ? કોઈ જીવોને સારા વિચાર આવે તો તે દેવલોકમાં ન જાય ? ત્યાંથી મરીને મનુષ્યલોકમાં ન જન્મે ? ધર્મ અને અધર્મ છે જ. એ જ વાત અનંત જ્ઞાનીઓ આપણને બતાવે છે. એમાં કંઈ ચાલે જ નહીં. જે વસ્તુનો જેવો સ્વભાવ છે, તેવો સ્વભાવ માનીને ચાલવું પડે.
પરમાત્માનાંકલ્યાણકોનીઉજવણીશામાટે ?
આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણકો છે. સમય પામી ભગવાન મહાવીરનાં એ કલ્યાણકો આપણે સારી રીતે ઉજવીએ. મહાપુરુષોએ ભગવાનનું જે જીવન વર્ણવ્યું છે, તેને એમાં વિચારવાનું છે. કેમ કે આપણે એ સમજી લઈએ, તીર્થંકરને ઓળખી લઈએ, તો આપણું કામ પૂરું થાય. नमो अरिहंताणं પદમાં તીર્થંકરો જ આવે. અરિહંતોમાં સામાન્ય કેવળજ્ઞાનીનો સમાવેશ નહીં. પહેલા પદમાં એમને જ નમસ્કાર કરાય છે. જે જીવોમાં તીર્થંકર થવાની યોગ્યતા હોય તે જીવો જ તીર્થંકર થાય. તેમને જ તેવી સામગ્રી મળે. જેવા જોઈએ તેવા ભાવ તેમને જ જાગે. સરખી સામગ્રી છતાં ભાવમાં ફેર. સમજમાં ફેર. બધા સાંભળે છે, છતાં સમજવામાં ફેર હોય ને ? સમજુ બધા હોય, છતાં ભાવમાં ફેર હોય ને ? તીર્થંકરો સર્વોત્તમ ઉપકારી. ""મારું જો ચાલે તો બધાય જીવોનો વિષયકષાયનો રસ છોડાવીને મોક્ષનો રસ પેદા થાય એવું કરું. બધા સંસારથી છૂટી મોક્ષમાં જાય'' - આવી સર્વોત્તમ કોટિની ભાવદયા તીર્થંકર ભગવાનને જ થાય.
મારું ચાલે તો કોઈને દુઃખી ન થવા દઉં એવું તમને થાય ? કેટલાક બોલે છે - सर्वेऽपि सुखिनः सन्तु । शिवमस्तु सर्वजगतः । એ બધા બોલે છે. એટલું જ. વિચાર આવે કે, બોલીએ એટલામાં શું ? કેટલાક વિચારે કે સૌ સુખી થાય તો સારું. સુખી થવાની વાત બધા બોલે. પણ બોલે તેનામાં ઉદારતા કેટલી ? બીજાને સુખી કરવાની ઉદારતા કેટલામાં ? બધાને સુખી કરવાની વાતમાં દુઃખીને સુખી કરવાનું આવી જાય, દુઃખીને સુખી કરવો હોય તો એનું દુઃખ દૂર કરવું પડે, દુઃખ દૂર કરવા માટે તમારે ભોગ આપવો પડે. તમારી પાસે પૈસા હોય છતાં પાડોશી દુઃખી રહે ? પૈસામાં દુઃખ દૂર કરવાની શક્તિ છે ?
તીર્થંકરોના ઉપકારની જે ભાવના છે, તે સર્વોત્તમ કોટિની છે. દરેક તીર્થંકરના ભવની વાત, એ સમ્યક્ત્વ પામ્યા ત્યારથી લખાય. તીર્થંકર નામકર્મ બધાનું સરખું. બધા જ અનંત બળી. વાસુદેવમાં ફેરફાર હોય. બધા તીર્થંકરની સમ્યક્ત્વની ભાવના સરખી. તીર્થંકરની ઉપમા તીર્થંકરને જ અપાય. તીર્થંકર કેવા? તીર્થંકર જેવા.
ભગવાન મહાવીરના ચ્યવન કલ્યાણકની વાતમાં સત્યાવીસ ભવનું વર્ણન છે. આ સત્યાવીસ તો મોટા. નાના તો અસંખ્ય. એક કોટાકોટિ સાગરોપમ કાળ પૂરો કરવાનો હતો. એટલો કાળ પૂરો કરવાનો એટલે સ્થાવરમાં પણ રહેવાનું. ભગવાનના પણ સ્થાવરપણામાં ઘણા ભવ ગયા. પાછી કાળની વાત આવી.
પંચેન્દ્રિયપણાનો સદુપયોગ ન કરે તેને એકેન્દ્રિયપણામાં જ જવું પડે. આપણે એકેન્દ્રિયમાં જવું છે ? ન જવું હોય તો બહુ સાવધ રહેવું પડે. તમે નિર્ણય કરો કે, અમારું ચાલે તો એકેન્દ્રિયપણામાં નથી જવું. ભયંકર કર્મ અને ભવિતવ્યતા ભૂંડી હોય અને એથી ગબડી જઈએ તે બને. બાકી જવું નથી. એવા બનવું હોય તો જિતેન્દ્રિય બન્યા વિના ના ચાલે. પાંચેય ઈન્દ્રિયના વિષયમાં રસ ન હોવો એ જિતેન્દ્રિયપણું, અભ્યાસ થાય તો થાય એવું છે ને ?
હમણાં તમને પાંચેય ઈન્દ્રિયોના સુખ વિના ચાલવાનું નહીં. મેળવવાની મહેનત કરો. ઉપભોગ કરવાનો શ્રમ કરો. પરંતુ જ્યારે તમને થાય કે રસ નથી, રસ ઘટતો જાય છે, રસ હવે નહીં જેવો જ રહ્યો છે. જો એવું થાય તો તો કામ થઈ જાય. ઘણા રોગી મરતાં સુધી દવા ખાય છે. એ પણ કહેને કે, દવા ખાઉં છું પણ હવે દવા ખાવામાં રસ નથી. વિષયસુખનો ભોગવટો એ વિષયવાસના નામના રોગની ઉન્માદકતા શાંત કરવાનો તુચ્છ ઉપાય છે.
ઈન્દ્રિયના વિષયોનો રસ ઘટતો જાય. ધીમે ધીમે કહેતા થાવ કે હવે રસ નથી. તે જિતેન્દ્રિય. જિતેન્દ્રિય બને તે ઇચ્છાને ઉપાધિ માને. શાંતિ એને આત્મસાત્ થઈ જાય. |