|
Book Name: ભગવાને ભાખ્યા ભાવિના લેખ પહેલાં હાથીના સ્વપ્નનો વિચાર કરીએ. એમાં તમારી વાત આવે છે. પછી વચમાં કોક કોક વાર તમે આવો છો. બાકી અમે. વર્તમાન સ્થિતિ સમજવા માટે આ વાત ખૂબ ખૂબ જરૂરી છે. ફળાદેશમાંથી બચવા માટે સાંભળવું છે. બચી જઈએ તો શાસનની શક્ય એટલી સેવા કરીએ. જેને એવું થાય કે આ તો ભગવાન કહી ગયા છે, તેવું કરીએ તો વાંધો નહીં. તે આ ફળાદેશમાંથી બચી નીકળ્યો ન કહેવાય. જે બચી જાય તેને આ ફળાદેશ લાગુ ન પડે. પણ તેનેય મુશ્કેલીમાંથી પસાર તો થવું પડે. ભગવાનના શાસનમાં રહેવું હશે તો ખૂબ સહન કરવું પડશે. હાથીના સ્વપ્નનો જે ફળાદેશ છે, તે તમે જાતે વિચાર કરજો. શ્રાવક-શ્રાવિકા સંઘમાં રહેવાનું પસંદ કરે. તમે સંઘમાં છો તેનું ગૌરવ છે ને ? ઘણા જીવો કરતાં તમારું પુણ્ય જોરદાર છે. તમે તમારી જાતને શ્રાવક-શ્રાવિકા સંઘમાં રહેલા અને દાખલ થયેલા માનો છો ? દાખલ થયેલા તેનો આનંદ છે ને ? દાખલ થવાની જગ્યાએ આવ્યા છો એનો આનંદ છે ને ? આવવાની જગ્યાએ આવ્યા તેનો આનંદ હોય તો સંઘમાં પ્રવેશ આપવો છે.
સાધ્ય પહલું કે સાધન પહેલું ?
શ્રાવક કોને કહેવાય ? જે વિવેકવંત હોય તે શ્રાવક. જે વિવેકવંત ન હોય તે શ્રાવકપણું પામી શક્યાય નથી અને પામવાના પણ નથી. જેને દેશનાની ચાર વાત યાદ રહી ગઈ હોય તે બધા વિવેકવંત. એ ચાર વાત તમને યાદ છે ? પુરુષાર્થ જગતમાં ચાર કહેવાય. એમાંના બે અર્થ-કામ નામના. પરમાર્થે કરીને અનર્થકારી. ખરેખરો સાધવા લાયક પુરુષાર્થ હોય તો તે મોક્ષ. ધર્મ પુરુષાર્થ ખરો પણ મોક્ષનું કારણ હોય તો. એ સંયમાદિ દશવિધધર્મ, સંસારમાંથી તારવા માટે મોક્ષ પામવા માટે અત્યંત જરૂરી છે. સંસાર અનંત દુઃખમય, મોક્ષ અનંત સુખમય, આ વાત જચી જાય તેને સમ્યક્ત્વ પેદા ન થયું હોય તો તે પેદા થાય. સાધુપણા માટે ઝંખે એને વિવેક સંસારમાં જંપવા ન દે. વિવેક સુખેથી સંસારમાં બેસવા ન દે. જેને મોક્ષની ઇચ્છા થાય તેને તેનો માર્ગ જાણવાની ઇચ્છા થયા વિના ન રહે. વિવેક પામ્યા નથી, તે જૈનકુળમાં જન્મ્યા એટલે જૈન થયા. પુણ્ય એટલે પૈસા પામ્યા. ધર્મના કામમાં આગેવાન બન્યા. બાકી એમને ને શ્રાવકપણાને લાગેવળગે શું ? રૂઢી઼ મુજબ ધર્મક્રિયા કરે પણ શ્રાવકપણા સાથે સંબંધ નહીં.
મંડલેશ પુણ્યપાલના સ્વપ્નનો ફળાદેશ સમગ્ર શાસન પર લાગુ થવાનો. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા પર લાગુ પડવાનો. આ મંડલેશ કેટલો શાસનને સમઠ્ઠપત હશે ! એનો ફળાદેશ પણ ભગવાન કહે ! નિઠ્ઠવવેકીને આ ફળાદેશ વાંચવા જેવો લાગે જ નહીં. એ ફળાદેશમાં તમારી, અમારી, બધાની ખબર લેવામાં આવી છે. આ કાળમાં સાધુપણું મળવું અને પાળવું કઠિન. શ્રાવકપણું પણ મળવું ને પાળવું કઠિન. વિવેક વગરનાને ધર્મનું ફળ ન મળે, પણ તમારે તો વિવેક જોઈતો જ નથીને ?
સાચો શ્રાવક સાધુપણાનો જ ઉમેદવાર હોય
શ્રાવક વિવેકી હોય એ જ કામનો. વિવેક વગરના શ્રાવકનો વિશ્વાસ રાખી ચલાય નહીં. એના આધારે ધર્મ ન ચાલે. એ તો ધર્મનેય વેચી આવે. પાંચમા આરાના જીવને સુખની સામગ્રી ઘણી મળવાની નથી. ચોથા આરામાં તો ઘણી હતી. છતાં એમને છોડવા જેવી લાગી. આ પાંચમા આરાના જીવને ક્ષણિક રિદ્ધિસુખ મળ્યું છે, છતાં એમનું ચારિત્ર મોહનીય એવું જોરદાર કે એમાં જ ફસી જાય. એવા લોભી થવાના ! એવા ભોગી થવાના કે ચારિત્ર લેવાનું મન થાય જ નહીં. ગમે તેવા ભાવ આવે, સંસાર છોડવાનું મન નહીં. સંયમ લે તો કુસંગથી છોડી દે. આજે તો લેનાર જ થોડા. એમાંથી પાળનાર બહુ ઓછા. આજે આ વાત બિલકુલ બંધબેસતી આવે છે. આજે મોટો ભાગ કહે છે કે, મારાથી આ બને એવું નથી. મનથી કહેતો હોય તો સારું. પણ ખરાબ હોય તે સારા કહેવડાવવા આવું કહે છે. આવી રીતે સારા કહેવડાવવા માટે કહેનાર સાચો છે કે ખોટો તે ડાહ્યા સમજે. આજે તો આ વાત દેખાઈ રહી છે.
બાકી સાચો શ્રાવક સાધુપણાનો ઉમેદવાર હોય. શ્રાવક-શ્રાવિકાપણું એટલે સાધુપણાની ઉમેદવારી કરવી એ ને ? કેમ બોલતા નથી ? ઉમેદવારી શબ્દ તમારે ત્યાં પ્રચલિત નથી ? શેઠની નોકરી કરે તેને શેઠની ઉમેદવારી કહેવાની ને ? આજે તો શેઠ, નોકર શેઠ થાય એમ ઇચ્છે જ નહીં અને નોકરને જીવનભર નોકરીમાં જ રહેવું છે. શેઠ બનવું નથી. શેઠનું કામ ટાઈમસર કરવું છે. ટાઈમસર જવું છે. તમારે ત્યાં તો નોકર શેઠની ઉમેદવારી કરે એવું નહીં ને ? નોકર શેઠ થાય તો સારું એવું તમારા હૈયામાં છે ?
અમારામાં તો એવી ઇચ્છા છે કે, અમારાથી વધુ સારો સાધુ થાય તો સારું. વહેલો મોક્ષે જાય તો સારું. તમને તો નોકર શેઠ થાય તો સારું નથી લાગતું ને ? તમારો ને અમારો મેળ ન ખાય. શ્રાવક-શ્રાવિકા સાધુપણાના ઉમેદવાર છે, એમ થાય છે ? આજના શેઠ-નોકરના સંબંધ જુઓ. બેમાંથી એકેને ચિંતા નહીં. શ્રાવક-શ્રાવિકાને સ્વપ્નેય સાધુ થવાનું મન નહિ. જિંદગી સુધી આવો, રોજ પગચંપી કરો. પણ સાધુ થાઓ ? તમારામાં એવી ઇચ્છા ન હોય ? સાધુપણાથી ડરે તે શ્રાવકનો વિશ્વાસ થાય ? તમે લોકો સાધુપણાથી ભાગતા ફરો છો, એવું તો નથીને ? ભગવાને તો કહ્યું કે, આ કાળના શ્રાવકના રિદ્ધિસુખમાં માલ નહીં હોય, તે છતાંય એ મોટે ભાગે સાધુ નહીં જ થવાના. જે સંઘમાં મોટો ભાગ આવો હોય ત્યાં અનર્થ જ થાય ને ?
|