Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
અહા! આ સંસારમાં સંપત્તિ, યૌવન, રૂપ, શરીર, કામનીઓ, પુત્રો, મિત્રો અને હવેલીઓ, એ સઘળું આ પ્રાણીને છોડી દેવું ઘણું અશક્ય લાગે છે, પરંતુ તેજ પ્રાણી પોતાના જીવન સમયમાં દુર્દશાને પામે છે, ત્યારે અથવા કાળ ધર્મને પામે છે, ત્યારે પક્ષીઓ જેમ વિનાશ પામેલા ઇંડાને ત્યજી દે છે. તેમ સંપત્તિ વિગેરે તેને ત્યજી દે છે. પક્ષી જેમ એક પાંખથી ફાળ ભરતાં ભ્રષ્ટ થઈને નીચે પડે છે. તેમ પૂર્વોક્ત પદાર્થોમાં એક ચરણથી ફાળ ભરવા તુલ્ય એક પક્ષી (એક તરફી) સ્નેહ કરતો મંદબુદ્ધિ પ્રાણી પોતાના જ સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. માટે જ્યાં સુધી પુણ્ય કર્મના ક્ષયથી એ સંપત્તિ. વિગેરે મને થોડી દે નહીં. ત્યાં સુધીમાં પુરૂષાર્થનું અવલંબન કરીને હું પોતે જ તેનો ત્યાગ કરૂં. આ પ્રમાણે વિચાર કરીને જેને ધીરાધિરૂઢ વૈરાગ્ય પ્રાપ્ત થયેલો છે. એવા અને વિવેકરૂપી મણિના રોહણાચળ પર્વત સરખા અપરાજિત રાજાએ પિહિતાશ્રવ (આશ્રવના દ્વાર જેમણે ઢાક્યાં છે તેવા) આચાર્ય મહારાજની સમીપે આવી મોક્ષમાર્ગમાં મહારથ જેવી દીક્ષા ગ્રહણ કરી.
|