|
Home » Vairagya E-Mail: |
|
વિમલવાહન રાજાની વૈરાગ્ય વિચારણા
|
Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
"અહો! લાખો યોનિરૂપી મહા ઘુમરીઓમાં પડવાના ક્લેશથી ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને ધિક્કાર છે! ઇંદ્રજાળ અને સ્વપ્નજાળની પેઠે આ સંસારને વિષે ક્ષણવાર જોવામાં આવતા અને ક્ષણવારમાં નાશ પામતા એવા પદાર્થોથી સર્વ જંતુઓ મોહ પામે છે એ કેવી ખેદકારક વાત છે! યૌવન પવને કંપાવેલા પતાકાના છેડાની પેઠે ચંચળ છે અને આયુષ્ય કુશાગ્ર ઉપર રહેલા જળબિંદુની પેઠે ચલાચલ (નાશવંત) છે. એ આયુષ્યનો કેટલાક ભાગ ગર્ભાવાસની અંદર નરકાવાસની પેઠે અત્યંત દુઃખે કરીને વ્યતીત થાય છે અને તે સ્થિતિના મહિનાઓ પલ્યોપમની જેવડા થઈ પડે છે. જન્મ્યા પછી બાળવયમાં આયુષ્યનો કેટલો ભાગ અંધની પેઠે પરાધીનપણામાં જ ચાલ્યો જાય છે; યૌવનવયમાં ઇંદ્રિયાર્થને આનંદ આપનારા સ્વાદિષ્ટ રસના સ્વાદમાં જ આયુષ્યનો કેટલોક ભાગ ઉન્મત્ત માણસની પેઠે વ્યર્થ જાય છે અને વૃદ્ધાવસ્થામાં ત્રિવર્ગ સાધવામાં અશક્ત થયેલા શરીરવાળા પ્રાણીનું અવશેષ રહેલું આયુષ સૂતેલા માણસની પેઠે ફોકટ જાય છે. જેમ વિષયના સ્વાદથી લંપટ થયેલો પુરૂષ રોગીની પેઠે રોગને માટે જ કલ્પાય છે તેમ આવી રીતે જાણતાં છતાં પણ સંસારી જીવો સંસારમાં પરિભ્રમણ કરવાને માટે જ ચેષ્ટા કરે છે. યૌવનમાં વિષયને માટે જેવી રીતે પ્રાણી પ્રયત્ન કરે છે તેવી રીતે જો મુક્તિને માટે પ્રયત્ન કરે તો શું ન્યૂન રહે? અહો! કરોળીઓ જેમ પોતાની જ લાળના તંતુજાળમાં વીંટાઈ જાય છે તેમ પ્રાણી પણ પોતાના જ કરેલા કર્મના પાશથી વીંટાઈ જાય છે. સમુદ્ર મધ્યે યુગશમિલાપ્રવેશન્યાયની સ્વયંભૂરમણ સમુદ્રની અંદર પૃથક્ પૃથક્ દિશાએ બહુ અંતરે એક ધોંસરું અને તેમાં નાંખવાની ખીલીઓ જુદી જુદી નાંખી હોય તે દૈવયોગે અથડાતી અથડાતી ઘણે કાળે કદી ભેગી થાય અને ધોંસરાની અંદર સ્વયમેવ ખીલીઓ પણ પરોવાઈ જાય તે ન્યાય. પેઠે પ્રાણી પુણ્યના યોગે ઘણી મહેનતે મનુષ્ય જન્મ મેળવે છે. તેમાં પણ આર્યદેશમાં જન્મ, સારા કુળની પ્રાપ્તિ અને ગુરુકુળસેવા એવી દુષ્કર સામગ્રી પામ્યા છતાં પણ, જે પ્રાણી પોતાના કલ્યાણને માટે યત્ન કરતો નથી તે તૈયાર રસોઈ મળ્યા છતાં ભૂખ્યા બેસી રહેનાર માણસ જેવો છે. ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિ) અને અધોગતિ (નર્કાદિ) બંને પોતાને આધીન છે, તો પણ જડબુદ્ધિ પ્રાણી જળની પેઠે અધોમુખે જ દોડે છે. હું સમય આવશે એટલે સ્વાર્થને સાધીશ એવો વિચાર રાખીને ધર્મકાર્યથી દૂર રહેનારાઓને ધર્મકાર્ય કર્યા અગાઉ જ વગડામાં તસ્કરની પેઠે યમદૂતો આવીને લઈ જાય છે. પાપ કીરને જેઓનું પોષણ કરેલું એવા સર્વ સ્વજનોના જોતાં છતાં પણ કાળ, રાંક જેવા રક્ષણ રહિત જંતુને અકસ્માત્ આવીને લઈ જાય છે. ત્યાંથી નરકગતિનો પ્રાપ્ત થયેલો પ્રાણી ત્યાં અનંત વેદના ભોગવે છે, કારણ કે માણસને ઋણની માફક કર્મ પણ જન્માંતરમાં સાથે દોડનારા છે. આ મારી માતા, આ મારો પિતા, આ મારો ભ્રાતા અને આ મારો પુત્ર એવી જે મમતાબુદ્ધિ છે તે મિથ્યા છે; કારણ કે આ શરીર પણ પોતાનું નથી. જુદા જુદા સ્થાન (ગતિ)થી આવેલા એવા એ માતાપિતાદિકથી સ્થિતિ, વૃક્ષ પર આવી રહેલા પક્ષીની પેઠે એક ઠેકાણે થયેલી છે. ત્યાંથી તેએ, રાત્રે એક ઠેકાણે રહેલા વટેમાર્ગુઓ જેમ સવારે જુદા જુદા સ્થાન તરફ ચાલ્યા જાય છે તેમ જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય છે. પાણીના રેંટની માફક આ સંસારમાં જા-આવ કરતાં પ્રાણીઓને પોતાનો કે પારકો કોઈ નથી; માટે ત્યાગ કરવાને યોગ્ય જ જે કુટુંબાદિક તેનો પ્રથમથી જ ત્યાગ કરવો અને સ્વાર્થને માટે યત્ન કરવો; કારણ કે સ્વાર્થભ્રષ્ટ થવું તે જ મૂર્ખતા કહેવાય છે. નિર્વાણ (મોક્ષ) લક્ષણવાળો એ સ્વાર્થ એકાંત અનેક સુખ આપનાર છે અને તે મૂલોત્તરગુણવડે કરીને સૂર્યના કિરણોની જેમ પ્રગટ થાય છે. |
| Back | Print |
|