Welcome   Home   About Us   Contact Us    Search    Sitemap 
 
    BalDiksha
    Religion
    Science
    Stories
    Vidhi
    Discources
    Prayer
    FAQ
    Institution
    Arts
    Vision
Home » Vairagya
E-Mail: 
Gujarati Typing   

વિમલવાહન રાજાએ જણાવેલ લક્ષ્મીની અસ્થિરતા

Book Name:  ત્રિષષ્ટીય દેશના      Author:  કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.

              `હે વત્સ! હવે તું પૃથ્વીનો આધાર થયો છે અને તારો આધાર કોઈ નથી, માટે પ્રમાદ છોડીને તારા પોતાના આત્માથી તેને ધારણ કરજે. હમેશાં આધાર શિથિલ થતાં આધેય ભ્રષ્ટ થાય છે. તેથી વિષયના અતિપ્રસંગથી થયેલી શિથિલતાથી તું તારી રક્ષા કરજે. યૌવન, રૂપ અને સ્વામીપણું તે એક એક પણ પ્રમાદનાં કારણ છે અને બુદ્ધિમાનની કાર્યસિદ્ધિને નાશ કરનારાં છે એમ જાણજે. કુળક્રમથી આવેલી છતાં પણ દુરારાધ્ય અને છળની ગવેષણા કરનારી આ લક્ષ્મી રાક્ષસીની પેઠે પ્રમાદી પુરુષને છળે છે. ઘણા કાળને સ્નેહ પણ એ લક્ષ્મીની સ્થિરતાને માટે થતો નથી, તેથી જ્યારે અવસર આવે છે ત્યારે તે સારિકા (સોગઠી)ની પેઠે તત્કાળ બીજે સ્થાને ચાલી જાય છે. કુલટાની અપવાદનો પણ ભય નહીં ધારણ કરતી એ લક્ષ્મી સુપ્તની પેઠે જાગતા એવા પોતાના પ્રમાદી પતિને છોડી દે છે. એ લક્ષ્મીને કદાપિ રક્ષણ સંબંધી દાક્ષિણ્ય તો થતું જ નથી; પણ તે વાંદરીની પેઠે ઠેકીને બીજા સ્થાનમાં ચાલી જાય છે. નિર્લજ્જતા, ચપલતા અને નિઃસ્નેહપણું એ સિવાય બીજા ઘણા દોષો તેનામાં રહેલા છે અને જળની પેઠે નીચ તરફ જવું એ તો એની પ્રકૃતિ છે, એમ લક્ષ્મી સર્વ દોષમય હોવા છતાં પણ સૌ કોઈ તેને માટે પ્રયત્ન કરે છે. ઇંદ્ર પણ લક્ષ્મીમાં આસક્ત છે. તો મનુષ્યની શી વાત? તેને સ્થિર કરવામાં જાણે પહેરેગીર હોય તેમ તું નીતિ અને પરાક્રમથી સંપન્ન થઈ સદા જાગૃત રહેજે. લક્ષ્મીની ઇચ્છાવાળા છતાં પણ તારે અલુબ્ધ થઈ આ પૃથ્વી પાળવી; કારણ કે સૌભાગી પુરૂષને સ્ત્રીઓની પેઠે અલુબ્ધ પુરૂષને લક્ષ્મી હમેશાં અનુગત રહે છે. ગ્રીષ્મઋતુના સૂર્યની પેઠે અતિ પ્રચંડપણું ધારણ કરીને કદાપિ આ પૃથ્વીને તું દુઃસહ કરથી આક્રાંત કરીશ નહીં. જરા પણ અગ્નિથી દગ્ધ થયેલું ઉત્તમ વસ્ત્ર જેમ ત્યજી દેવાય છે તેમ એક વખત પણ અન્યાય કરનારા પોતાના માણસને તું ત્યજી દેજે. મૃગયા, દ્યૂત અને મધુપાન એ સર્વથા બંધ કરાવજે; કારણ કે તપસ્વીના તપનો ભાગી જેમ રાજા થાય છે તેમ પ્રજાનાં સર્વ પાપનો ભાગી પણ રાજા થાય છે. કામક્રોધાદિક અંતર શત્રુઓનો તું જય કરજે; કારણ કે તેઓનો જય કર્યા સિવાય બાહ્ય શત્રુઓને જીત્યા હોય તે ન જીત્યા બરાબર છે. દક્ષિણ નાયક જેમ ઘણી પત્નીઓનું યથાકાળે સેવન કરે તેમ તું ધર્મ, અર્થ અને કામનું પરસ્પર આ બધાથી યોગ્ય અવસરે સેવન કરજે. જેવી રીતે તેનો સમય આવતાં ચોથા પુરુષાર્થ (મોક્ષ) માં તારો ઉત્સાહ ન હણાય તેવી રીતે તે ત્રણ પુરુષાર્થને તું સાધજે."

 

 Back  |  Print
Sitemap
|  
Search
|  
Show Right