Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
આ સંસારમાં બીજું સર્વ પણ જોતજોતામાં જ નાશ પામી જાય તેવું છે. જે પ્રાણી સ્વેચ્છાથી બોલે છે, પ્રવેશ કરે છે, નાચે છે, હસે છે, રમે છે, દ્રવ્ય મેળવવાના અનેક ઉપાયો ચિંતવે છે, ચાલે છે, ઉભા રહે છે, સુવે છે, વાહન પર ચડે છે, કોપ કરે છે અને ઘરની અંદર કે બહાર વિલાસ કરે છે તે પ્રાણીને તેવી ક્રિયા કરતાં જ યમરાજાના દૂતની જેમ નિત્ય પાસે રહેલા અનેક દોષો મૃત્યુ પમાડે છે. તે દોષો આ પ્રમાણે છે - તત્કાળ કાળે પ્રેરેલો સર્પ આવીને કરડે છે. પ્રચંડ વિજળી રૂપ દંડ પડીને પાડી નાંખે છે. ઉત્તમ હાથી આવીને દંતાશૂળથી પીસે છે. જુની વંડી કે ભીંત તૂટી પડી દબાવે છે. ભુખથી કૃશ ઉદરવાળો વ્યાઘ્ર ભક્ષ કરી જાય છે. જેની ચિકિત્સા ન થઈ શકે તેવો રોગ લાગુ પડે છે. અકસ્માત્ ઉન્મત્ત (તોફાની) ઘોડા વિગેરે પાડી નાખે છે. શત્રુ કે ચોર આવી છરી વડે હણી નાખે છે. પ્રદીપ્ત થયેલો અગ્નિ બાળી નાખે છે. મહાવૃષ્ટિથી આવેલું નદીનું પૂર વગે વડે તાણી જાય છે. સર્વ અંગમાં વાયુનો બળવાન દોષ પ્રગટ થાય છે. શરીરની તમામ ગરમીને શાંત કરીને કફ વ્યાપ્ત થાય છે. પિત્તનો પ્રબળ દોષ પ્રાણને લુપ્ત કરી નાંખે છે અથવા તત્કાળ થયેલો સન્નિપાત પરાભવ કરે છે. કરોળિયાનો રોગ શરીરનું ભક્ષણ કરે છે. ક્ષયરોગ પ્રાપ્ત થાય છે. વિશૂચિકા (કોલેરા)નો ઉપદ્રવ હેરાન કરે છે. જેનું ખરાબ પરિણામ છે એવું અર્બુદ જાતિનું વ્રણ પેદા થાય છે. પ્રમેહનો રોગ મૂર્ચ્છા પમાડે છે. સંગ્રહણીનો વ્યાધિ સપડાવે છે. વિદ્રધિનો રોગ રૂંધે છે. ખાંસીનું દરદ ક્લેશ પમાડે છે. શ્વાસનો વ્યાધિ ભરપૂર થાય છે અથવા શૂલનો રોગ ઉન્મૂલન કરી નાખે છે. આવા અનેક દોષોથી પ્રાણી મૃત્યુ પામે છે તથાપિ પશુની પેઠે મંદ બુદ્ધિવાળો મનુષ્ય પોતાની સ્થિતિને શાશ્વત માની પોતાના જીવિતવ્ય રૂપ વૃક્ષનું ફળ લેવાને પ્રવર્તતો નથી. એ મુગ્ધ બુદ્ધિવાળો પુરુષ `આ મારા ભાઈઓ નઠારી સ્થિતિમાં છે. આ મારા પુત્રો અદ્યાપિ નાના છે. આ કન્યા હજુ કુંવારી છે. આ પુત્રને હજુ ભણાવવો છે. આ ભાર્યા હજુ નવોઢા છે. આ માતાપિતા વૃદ્ધ છે. આ સાસુસસરા ગરીબ સ્થિતિમાં છે અને આ બ્હેન વિધવા છે' એમ સર્વ પરિવાર નિરંતર પોતાને જ પાળવા યોગ્ય છે એવી ચિંતા કર્યા કરે છે પણ તે પરિવાર પોતાને સંસાર રૂપી સમુદ્રમાં ડુબાડવાને હૃદય પર બાંધેલી શિલા જેવો છે એમ જાણતો નથી અને જ્યારે અંતકાળ આવે છે તે વખતે પણ એ જડ પુરુષ પશ્ચાત્તાપ કરે છે કે `અરે! અદ્યાપિ કાંતાના શરીરને આલિંગન કરવાના સુખથી હું તૃપ્ત થયો નથી. દૂધ વગેરે ખાદ્ય પદાર્થોથી ધરાણો નથી. પુષ્પ સુંઘવાની મારી ઇચ્છા પૂરી થઈ નથી. મનોહર પદાર્થોને જોવાનો મનોરથ પૂરો થયો નથી. હજુ વીણા યુક્ત વેશ્યાના ગીત સાંભળવાનો આનંદ જરાપણ પામ્યો નથી. મારા કુટુંબને માટે હજુ ભંડાર ભરપૂર કર્યા નથી. આ જીર્ણ ઘરનો ઉદ્ધાર કરીને નવીન કરવું બાકી રહેલું છે. ઊંચી શિક્ષા આપેલા અશ્વો ઉપર હજુ આરૂઢ થતો નથી અને આ પલોટેલા બળદ ઉત્તમ રથ સાથે જોડ્યા પણ નથી. એવી રીતનો પશ્ચાત્તાપ કરે છે પણ `મેં' ધર્મ કર્યો નથી' એવો જરાપણ પશ્ચાત્તાપ કરતો નથી. આ સંસારમાં એક તરફ મૃત્યુ સદા તૈયાર થઈ રહેલું છે. એક તરફ અનેક પ્રકારના અપમૃત્યુ થયા કરે છે. એક તરફ અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે. એક તરફ ઘણી આધિ ઉત્પન્ન થાય છે. એક તરફ રાગદ્વેષાદિ શત્રુઓ નિત્ય ઉદ્યત થઈ રહ્યા છે અને એક તરફ દુર્જનની પેઠે પ્રબળ કષાયો વિપત્તિ આપ્યા કરે છે તેથી તેમાં મરૂદેશની પેઠે સુખકારી નથી તે છતાં પ્રાણીઓ તેમાં સુખ કેમ માની રહે છે અને વૈરાગ્ય કેમ પામતા નથી? સૂતેલા માણસ ઉપર જેમ અકસ્માત્ રાત્રિયુદ્ધ આવી પડે તેમ સુખાભાસથી મૂઢ થયેલા પ્રાણી ઉપર સદ્ય પ્રાણનો નાશ કરનાર કાળપાશ આવી પડે છે તેથી રાંધેલા અન્નનું ફળ જેમ ભોજન કરવું છે તેમ આ નાશવંત શરીરનું ફળ ધર્મચરણ છે. આ નાશવંત શરીર વડે અવિનાશી પદ મેળવવું સુલભ છે તે છતાં મૂઢ પ્રાણીઓ તેને મેળવતાં નથી.
|