Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
અર્હન્, સિદ્ધ, સાધુ અને ધર્મ કે જે ચારે મંગળરૂપ અને લોકોત્તમ છે તેમનું સ્મરણ કર્યું. તે આ પ્રમાણે-"જીવ અજીવ વિગેરે તત્ત્વોના ઉપદેશક, પરમેશ્વર, બોધિદાયક અને સ્વયંબુદ્ધ એવા અર્હંતનું મારે શરણ હો. ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને દગ્ધ કરનાર, તેજરૂપ, અનશ્વર અને અનંત કેવળજ્ઞાનવાળા ભગવંતનું મારે શરણ હો. નિરીહ, નિરહંકાર, નિર્મમ, સમાન ચિત્તવાળા, મહાવ્રતને ધરનારા અને ધીર સાધુઓનું મારે શરણ હો. અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમવાળા કેવળીપ્રરૂપિત ઉત્કૃષ્ટ ધર્મનું મારે શરણ હો. મેં સેંકડો જન્મમાં પ્રાણીઓના જે કાંઈ મન વચન કાયાએ અપરાધ કર્યા હોય તેને હું મન વચન કાયાથી નિંદું છું, દ્વાદશ પ્રકારનો ગૃહીધર્મ પાળતાં મને જે કાંઈ અતિચાર લાગ્ય હોય તે સર્વને હું વોસિરાવું છું. ક્રોધ, માન, માયા અને લોભથી પરાભવ પામેલા મેં જે કાંઈ અહિંસાદિ પાપકર્મ કર્યું હોય તેને ધિક્કાર હો, અર્થાત્ તેનોં હું મિચ્છામિદુક્કડં દઉં છું."
|