Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
"હે પ્રભુ! સર્વ કલ્યાણકોમાં શ્રેષ્ઠ તમારૂં જન્મકલ્યાણક પવિત્ર ભક્તિવાળા એવા મને કલ્યાણકારી થાઓ. હે ઈશ! તમોને હું કેટલું સ્નાત્ર કરાવું? તમારૂં કેટલું પૂજન કરૂં? અને તમારૂં હું કેટલુંક સ્તવન કરૂં? મને તમારું આરાધન કરવામાં તૃપ્તિ જ થતી નથી. હે પ્રભુ! તમારા જેવા રક્ષક છતાં કુતીર્થિકરૂપી વ્યાઘ્રથી ત્રાસ પામેલો આ ધર્મરૂપી વૃષભ હવે આ ભરતક્ષેત્રમાં સ્વેચ્છાથી વિચરો. હે દેવાધિદેવ! આજે સારે ભાગ્યે મારા હૃદયરૂપી મંદિરમાં તમે નિવાસ કરી તેને સનાથ કરેલું છે. જેવી રીતે તમારા ચરણનખનાં કિરણો મારા શિર આગળ પ્રસરવાથી મને આભૂષણરૂપ થાય છે, તેવી રીતે આ મુગટ વિગેરે આભૂષણો થતાં નથી. હે ત્રિજગન્નાથ! તમારા ગુણોની સ્તુતિ કરતાં મને જે પ્રસન્નતા થાય છે. તેવી પ્રસન્નતા ચારણ ભાટો મારી સ્તુતિ કરે છે, ત્યારે થતી નથી. તમારી પાસે ભૂમિ ઉપર બેસતાં જેવી મારી ઉન્નતિ થાય છે. તેવી ઉન્નતિ સૌધર્મ સભાની અંદર સિંહાસન પર બેસતાં થતી નથી. હે પ્રભુ! તમારા જેવા સ્વામિની પરતંત્રતામાં લાંબો કાળ રહેવાને જેમ હું ઇચ્છું છું તેવી રીતે રાજ્યની સ્વતંત્રતામાં રહેવાને હું ઇચ્છતો નથી.
|